
તા. 07/03/2026
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. ઍન્ડ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત શ્રી વી એમ સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ બોટાદનો 32મો તેમજ શ્રી વી. એમ. સાકરિયા મહિલા કોમર્સ, બોટાદનો 14મો વાર્ષિકોત્સવ-2026 ‘સ્પંદન ‘ શીર્ષક હેઠળ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ચંદ્રિકાબેન રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સ. વ. પ. ટ્રસ્ટના પ્રમુખ પ્રો એસ. કે. ધનાણીસાહેબ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટ્રસ્ટના ખજાનચી શ્રી હરિકૃષ્ણભાઈ કાકડિયા, ટ્રસ્ટી કિસ્મતભાઈ ધોળકિયા, ટ્રસ્ટી મનોજભાઈ ઉપાધ્યાય, બોયઝ હાઈસ્કૂલના આચાર્ય ગોસ્વામીસાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત સમૂહ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.આ વર્ષે આર્ટ્સ કૉલેજમાંથી સેવાનિવૃત્ત થનાર સેવક શ્રી નિરુભાઈ માલાને સેવા નિવૃત્તિ પ્રમાણપત્ર તેમજ શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષભર કરેલ પ્રવૃત્તિના પ્રતિબિંબરૂપ ‘વિદ્યા દર્પણ’ નામનું મુખપત્ર મહેમાનોના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા ડૉ. ચંદ્રિકાબેન રાવલ દ્વારા વિદ્યાર્થિનીઓને જીવનલક્ષી મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બાદ ત્યારબાદ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થિનીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથોસાથ સહઅભ્યાસક પ્રવૃત્તિ જેમાં રમતગમત, એન. સી. સી. , એન. એસ. એસ., ભારતીય સંસ્કૃતિ પરીક્ષા જેવી વિધવિધ પ્રવૃત્તિના વિજેતાઓને બિરદાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ પ્રો. એસ. કે. ધનાણીસાહેબે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ઉપક્રમ અત્રેની કોમર્સ કૉલેજના યજમાનપદે કોમર્સ કૉલેજના ઈ. આચાર્ય પ્રા. જી. બી. રામાવત સાહેબ તેમજ આર્ટ્સ કૉલેજના ઈ. આચાર્ય ડૉ. કે. બી. મુંજપરા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની બહેનોએ સંભાળ્યું હતું. સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ બન્ને કૉલેજની વિદ્યાર્થિનીઓની હાજરીથી કાર્યક્રમનું સ્પંદન અનુભવાયું હતું.















